Uncategorized

માનવતાના ધર્મ ની તાકાત …..

ભરાડી નામે એક ચોર હતો.ગામના ચોકિયાતો એ તેને પકડવા કેટલાય નિષ્ફળ પ્રયત્નો કર્યાં, છેવટે
રાજાએ કમર કસી એક જ રાતમાં પકડી લીધો.અને પોતાના પલંગની નીચે જમીનપર એના પગમાં
બેડીઓ નાખી સુવાડ્યો.
 
પણ આતો ભરાડી ચોર.રાતના બાર વાગ્યા હતા,રાજા ઘસઘસાટ ઊંઘતા હતા.ચોરે પોતાની ગજબનાક
ચાલાકી થી બેડીઓ ખોલી નાખી. અને પાછળ ની બારીએ થી ઉતરીને ચોરી કરવા માટે નીકળી ગયો.
તે એક ઘરમાં પેઠો.એ ઘર એ નગરના અત્યંત કમનસીબ ગરીબનું ઘર હતું.પતિ મજુરી કરવા દુર ગયો
હતો,અને ઘરમાં સાસુ વહુ એકલા હતા.વહુ ના ગર્ભ ના દિવસો લગભગ ભરાઈ ગયાં હતા.
 
રાતે એક વાગે વહુએ ઉઠીને સાસુ ને સખત ભૂખ લાગ્યા ની ફરિયાદ કરી. તેને કહ્યું મા મને ખાવાનું દો
મારા પેટ માં આગ આગ થઇ રહી છે. સાસુએ કહ્યું બેટા ઘરમાં અનાજનો કણ પણ નથી,અને છાસનો ય
છાંટો નથી તને શુ દઉં ?
 
અરે મા ! મારા પેટ માં બાળક છે તેનો તો વિચાર કરો.એની ખાતર પણ મને કંઈક તો ખાવાનું દો.
આંખમાં આંસુ સાથે વહુએ સાસુને કહ્યું.
હવે તો બેટા ભગવાન આપની પર રીઝે તો કંઈ થાય.એની શક્તિ ની તો શી વાત થાય ? માટે હવે
આપને બન્ને ભગવાન નું નામ લઈએ.
 
સાસુ વહુ વચ્ચેની બધી વાત પેલા ચોરે સાંભળી. અરે આતો ભયાનક ગરીબી,એક ગર્ભવતી સ્ત્રીનો
ભૂખમરો વગેરે સાંભળી થીજી ગયો. એની આંખમાં દડદડ આંસુઓ ટપકવા લાગ્યાં,ગરીબ ના ઘરે થી
નીકળી સીધો હલવાઈ ની દુકાને પહોચ્યો.માસ્ટર-કી લગાડી દુકાન ખોલી નાખી.એક થાળ ભરીને
મિઠાઈઓ ઉઠાવી.તે ગરીબ ના ઉબરે થાળ મુકીને તરત તે ચોર ત્યાંથી ચાલી ગયો.રાજમહેલ માં
જઈને બેડી પહેરી લઈને ઘસઘસાટ ઊંઘી ગયો.
 
આ બાજુ કોઈ કામે સાસુ બહાર આવી.ઉબરા પર પડેલો મીઠાઈનો થાળ જોતા જ આનંદ અને આશ્ચર્ય
થી તેણે બૂમ પાડી : અરે બેટા ! આતો ખરેખર આપની વાત સાંભળી, ભગવાને મીઠાઈનો થાળ મોકલી
આપ્યો છે.પેટ ભરીને બન્ને એ મિઠાઈ ખાધી.
 
સવારે નવ વાગે રાજા ઉઠ્યો, ચોરને ઉઠાડ્યો.રાજાને કોઈ ઠેકાણે ચાલીને જવાનું હતું એટલે ચોરને
પોતાની સાથે લીધો. ભરાડી ચોર ને છૂટો શી રીતે મુકાય ?
 
રસ્તે ચાલતાં આશ્ચર્યજનક ઘટના બની.ચોરની ઉપર આકાશના એકમાત્ર વાદળે છાયો કર્યો.ધોમ
તડકા માં રાજા ઉપર સૂર્યના કિરણો સીધા પડતાં હતા.અને ચોર ના માથે વાદળ નો છાયો પડતો હતો,
 
રાજા થી આ ન ખામાયું.તેણે ચોરને પોતાની જમણી બાજુએ થી ખસેડી ડાબી બાજુએ લીધો.પણ આ શું ?
પેલું વાદળ પણ ડાબી બાજુ એ ખસી ગયું અને છાંયો તો ચોર પર જ રહ્યો.રાજાએ તેણે ફરીથી જમણી
બાજુએ લીધો, વાદળ પણ પાછું ખસીને જમણી બાજુએ આવી ગયું, આરીતે છાંયો ચોર પર રહ્યો અને
ધોમ તડકો રાજા પર. હવે તો હદ થઇ ગઈ. રાજા અકળાઈ ગયો. કુદરત ચોરને અનુકુળ થાય એ વાત
એના હૈયે મુઝવણ પેદા કરતી હતી. જ્યાં પણ પેલો ભરાડી ચાલે ત્યાં વાદળ તેની ઉપર જ રહે. અને
બાકીના ભાગમાં તડકો.
 
રાજાએ મનમાં વિચાર્યું કે નક્કી આ ચોરે રાતના સમયે જોરદાર કોઈ ધર્મ કાર્ય કર્યું હોવું જોઈએ.તે સિવાય
કુદરત તેને આ રીતે અનુકુળ થઇ શકે નહિ. રાજાએ શંકાશીલ બનીને ચોરને આ બાબત માં આગ્રહ પૂર્વક
પૂછ્યું ત્યારે ચોરે બનેલી સઘળી વાત જણાવી દીધી.
 
માનવતા નું આટલું મોટું ઉત્તમ કાર્ય કરવા બદલ રાજા ખુબ ખુશ થયો અને ચોર ને મોટું ઇનામ આપી ને
છોડી મુક્યો.ચોરે પણ ચોરી નો ધંધો સદાય ને માટે છોડી દીધો.
 
આ ઘટના જાણીને નગરના હજારો લોકોની ધર્મ ભાવના પર શ્રદ્ધા ખુબ વધી.