GujaratiUncategorized

જીભ કચરાતાં દાંત કાંઈ તોડી નંખાય ?

ચોરોએ રમણ મહર્ષિના આશ્રમમાં લૂંટ ચલાવી, પણ કશુંય હાથ ન આવ્યું.કાંઈ હોયતો હાથ આવેને ?
આથી ચોરો ઉશ્કેરાયા ! ગુસ્સે ભરાઈને ઝાડ નીચે બેઠેલા રમણ મહર્ષિને એક પગની જાંઘ પર જોરથી
લોખંડનો સળીયો ઝીંકી દીધો.
 
ધડધડ લોહી વહેવા લાગ્યું. રમણમહર્ષિ હસી પડ્યા.તેમને મારનાર ચોરને પૂછ્યું. ‘ તને આમ કરવામાં
ખુબ મજા આવી કેમ ? તો લે, આ બીજો પગ ઠોક,વળી વધુ મજા આવશે.’
આવા શબ્દો સાંભળીને શરમિંદા બની ગયેલા ચોરો ત્યાંથી વિદાય થઇ ગયા.થોડાક વખત પછી કેટલાક
ભક્તો આશ્રમમાં આવ્યા.મહર્ષિની હાલત જોઇને સ્તબ્ધ થઇ ગયાં.હકીકત જાણીને મહર્ષિને કહ્યું અમે
હમણાંજ પોલીસમાં ખબર આપી દઈએ છીએ. જેથી ચોરો જલ્દી પકડાય અને તેઓને સખ્ત માં સખ્ત
સજા થાય.
 
રમણમહર્ષિએ હસતાં હસતાં કહ્યું,અરે ! આવું તે કદાપિ થતું હશે.એય આપના ભાઈઓ જ છે. એમને કાંઈ
પકડાવી દેવાતા હશે ?
 
પણ ભક્તો તો એમની જિદ્દમાં એકના બે ન થયા. એટલે મહર્ષિએ તેમને કહ્યું કે, ધારોકે આપણા દાંત
વચ્ચે જીભ આવી ગઈ અને કચરાઈ ગઈ. લોહી પણ નીકળી ગયું. એટલે શું હવે આપણે પથ્થર કે
દસ્તો હાથમાં લઇ ને તે બે-ચાર દાંત ઉપર ગુસ્સો કરીને તેમને તોડી નાખીશું ? નહિ જ ………….
કેમ કે જીભ પણ આપણી છે અને દાંત પણ આપણા જ છે.
 
મહર્ષિની આવી પરમોદાર ક્ષમા-વૃત્તિ જોઇને ભક્તોનાં શિર ભાવથી ઝુકી ગયા.